માનવાધિકાર - સમાજમાં ઘુસી ગયેલો એક જીવલેણ વાઇરસ


સમયાંતરે કોઈ ને કોઈ એવી ઘટના બનતી રહે છે જે આપણા દેશના ગૌરવને લાંછન લગાડી દે છે. હમણાં હમણાં મોટા ભાગની ન્યુઝ ચેનલોમાં જે ચકચાર મચાવી રહી છે પ્રિયંકા રેડ્ડી’ ની ઘટના ખુબ હૃદયદ્રાવક અને રુવાડા ઊંચા કરી દે તેવી છે. ઘટના ના પડઘા આખા દેશ-દુનિયા માં પડ્યા છે. લોકો દેખાવો કરી રહયા છે.

આપણે એક જ પ્રકારના આ મુજબના ચીલાચાલુ ન્યુઝ તો જરૂર થી સાંભળ્યા હશે, - "10 વાર ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર 11 મી વાર ચોરી કરતા ફરી પકડાયો..."; "3 અલગ અલગ મર્ડરના કેસમાં જામીન પર છૂટો ફરતો પાકા કામનો ગુનેગાર ચોથા મર્ડર કેસમાં જેલમાં અંદર..."; "પાંચ વાર ખંડણીના કેસમાં તથા દસ મારામારી ના કેસમાં દોષિત ગુનેગાર દેશી તમંચા સાથે ઝડપાયો..."

ખબરો વાંચતા તો એવું લાગે છે કે જાણે ગુનેગારો વારંવાર ગુનાઓ આચરવાનો કોર્ટ પાસે થી  'પાસ' લઇ લીધો હશે.  કોઈપણ ગુનો થાય તો ગુના પાછળ કેવળ ગુનેગારનો વાંક નથી હોતો, પણ તેમાં પોલિસતંત્ર, ન્યાયતંત્ર, માનવાધિકાર તંત્ર વગેરે ઘણા બધાનો હાથ હોય છે. દેશના લબાડ ન્યાયતંત્રએ સાબિત કરી દીધું છે કે ' નિર્ભયા કાંડ', 'ઉનાવ કાંડ', 'કઠુઆ કાંડ' અને 'પ્રિયંકા રેડ્ડી કાંડ' જેવા બીજા કાંડો તો બનતા રહેશે, તમારાથી થાય તે કરીલો. ગુનેગારોના અને ભોગ બનનાર વ્યક્તિઓના માત્ર નામ બદલાય છે, પણ ગુનાઓ તો એના રહે છે. શું આપણું ન્યાયતંત એટલું બધું બોદું થઇ ગયું છે કે માણસ ગંભીર ગુનો આચરવામાં જરાય પણ અચકાતો નથી!

આવા શિથિલ ન્યાયતંત્ર અને કાયદા કાનૂન માટે 'માનવાધિકાર વિભાગ' સૌથી વધારે જવાબ દાર છે. માણસ કે જેને બે હાથ, બે પગ, બે આંખો બે કાન, એક માથું છે તેને એક 'માણસ' તરીકેના અધિકારો મળવા જોઈએ એવું તેમનું માનવું છે. અરે ભાઈ! માનવ અધિકાર કેવળ 'માનવ' ને હોવા જોઈએ, 'દાનવ'ને નહિ. રાવણ, હિરણ્યકશિપુ, મહીષાશુર વગેરે આપણી જેવા માણસો હતા, પરંતુ તેમના ખોટા કર્મોને કારણે તે લોકો 'દાનવ' કહેવાયા અને તેમનો અંત કેવો રહ્યો હતો પણ આપણે બધા જાણીએ છીએ. તો પછી આજના જમાના ના દાનવોને આપણે કેમ મિટાવી શકતા નથી? કેમ તેમને પૂરતી સજા કરી શકતા નથી?  જે માણસ માનવતાના ગુણો ભૂલીને એક પશુ જેવો બની જાય છે, કશું વિચાર્યા વિના અબળા નારી પર ગેંગ રેપ કરે છે, પૂરતું બોલતા પણ શીખી હોય એવી ફૂલ જેવી માસુમ બાળાને પીંખી નાખે છે, નાની અમથી વાતમાં કોઈનું ખૂન કરી નાખે છે, આવી 'રાક્ષસ' જેવી મનોવૃત્તિ ધરાવતા માણસોને 'માણસ' કહી કેમ શકાય??

અરે બધી વાત છોડો, માનવાધિકાર વાળા સાઇકિક માણસો તો ત્યાં સુધી પણ કહે છે કે ફાંસીની સજા નાબૂદ કરી દો. ફાંસીને બદલે તેમને આજીવન કારાવાસ ની સજા આપો અને તેમને સુધરવાનો મોકો આપો. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં 21 મી સદીમાં એટલે કે 2001 થી લઈને 2019 માં લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં 2547 ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ માત્ર 4 ગુનેગારોને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા છે. ઘણા બધા ગુનેગારોની ફાંસીની સજાને 'આજીવન કારાવાસ' માં રૂપાંતરિત કરી આપવામાં આવી છે. હજુ પણ આશરે 273 જેટલા કેદીઓની દયાની અરજી પેન્ડિંગ પડી છે.

મેં “The Shawshank Redemption” નામની  ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મમાં આજીવન કારાવાસની સજા પામેલા Brooks Hatlen નામની એક વ્યક્તિને જયારે સજા પુરી થયા બાદ જેલ છોડીને જવાનું હતું ત્યારે તે ખુબ જ રડ્યો હતો. તેને જેલમાં જ રહેવું હતું. જેલ બહારની જિંદગીં તેને માફક ન આવતા છેવટે તેણે આત્મહત્યા કરી લીધી. આજીવન કારાવાસ પામેલા ગુનેગારને દિવસમાં બે ટાઈમ જમવાનું તો મળે જ છે, સાથે સાથે વાંચવા માટે ચોપડીઓ, ન્યુઝપેપરો મળે છે, સમયાન્તરે ટીવી જોવા મળે છે, જેલમાં કોઈ કોઈ વાર સાંસ્કૃતિક કાર્યકમો પણ થતા હોય છે. જેલની અંદર નવા મિત્રો અને નવા વાતાવરણમાં એ ગુનેગાર એવો એડજસ્ટ થઇ જાય છે કે જો તમે નૈતિકતાની દ્રષ્ટિએ જુઓ તો એમ જ લાગે કે ગંભીર ગુનાના બદલામાં ન્યાયતંત્રે તેને 'સજા' નહિ પણ 'રિવૉર્ડ' આપી દીધો!! જે વ્યક્તિ એ ગુનેગારના ગુનાનો ભોગ બની હતી તેના અને તેના પરિવારના નસીબમાં તો આખી જિંદગી યાતનાઓ અને પારાવાર મુશ્કેલીઓ જ રહેવાની.

આપણે સાંભળ્યું છે કે સાઉદી અરેબિયા જેવા કેટલાક દેશોમાં કાયદાઓ ખુબ કડક છે. માનવાધિકાર વાળા એવો લૂલો બચાવ કરે છે કે ત્યાં કાયદાઓ કડક હોવા છતાં પણ ગુનાઓ તો થાય છે ને! અરે ભાઈ, કડક કાયદાઓથી ગુનાખોરી ભલે સદંતર બંધ થાય, પણ તેમાં મોટો ઘટાડો તો આવે ને!! બીજી બધી વાત જવા દઈએ આપણે હેલ્મેટના કાયદાની વાત કરીએ.  હવે જયારે હેલ્મેટનો કાયદો કડક થયો છે તો એકલ-દોકલ માણસોને બાદ કરતા હવે મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરતા થઇ ગયા ને! બળાત્કારના કેસમાં ગુનેગારોને જો જાહેરમાં ફાંસી આપવામાં આવે તો શું રેપની ઘટનાઓમાં ઘટાડો આવે? જરૂરથી આવે ! પણ માનવાધિકાર નામનો વાઇરસ આવો કડક કાયદો લાવવા દે ખરો!!

આખા શરીર પર હેન્ડ ગ્રેનેડ લટકાવી અને હાથમાં AK-47 લઈને આતંકવાદીઓ નિર્દોષ લોકોને કીડી-મંકોડાની જેમ મારી નાખે છે. આવા કોઈ એક આતંકવાદીને ફાંસી થતા અટકાવવા માટે અડધી રાત્રે 2 વાગ્યે માનવાધિકારોના એજન્ટોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખોલાવ્યા હતા. તો શું જે નિર્દોષ લોકો મરી ગયા હતા તેમના કે તેમના પરિવારના કોઈ 'માનવ અધિકારો' ન હતા? બાટલા હાઉસમાં કેટલાક આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એમાં તો સલમાન ખુર્શીદે એવું કહ્યું કે 'સોનિયા ગાંધીએ ખુબ આંશુઓ વહાવ્યા હતા.’ આ એ જ સોનિયા ગાંધી છે કે જેણે પોતાના ધણી અને આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન 'રાજીવ ગાંધી' ના હત્યારાઓની પણ ફાંસીની સજા માફ કરી હતી. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આ દેશનો રાજા કહેવાય અને રાજાના હત્યારાઓની પણ ફાંસીની સજા માફ કરાવી એ કેટલે અંશે વાજબી છે?

એક વાત તો નક્કી છે કે જ્યાં સુધી આપણા દેશના કાયદાઓ 'ગુનેગાર વિરોધી' નહિ થાય ત્યાં સુધી કેટલીયે નિર્ભયા, પ્રિયંકાઓનો ભોગ લેવાતો રહેશે.

-          બિપિન જી. ચૌહાણ 'ક્ષિતિજ'

Comments